ગુજરાતમાં દલિત સમાજના સમૂહ લગ્નોના સ્ટેજ પર રાજકીય પક્ષોના નેતાઓનો અડિંગો કેટલો યોગ્ય
ગુજરાતના દલિતોમાં હવે દરેક પરગણા અને શહેર પ્રમાણે સમૂહ લગ્ન થઇ રહ્યા છે. ગરીબ પરિવારોના દીકરા અને દીકરીઓના વાલીઓ માટે આ સમૂહ લગ્ન આશીર્વાદરૂપ છે. વિવિધ પેટા જ્ઞાતિઓએ સમૂહ લગ્નોનું આયોજન કરીને આવકારદાયક કામ કર્યું છે. જેનાથી ઘણા જરૂરિયાતવાળા પરિવારોનો ખર્ચ બચી ગયો છે.
જોકે આ સમૂહ લગ્નોની આડમાં હવે આયોજકો પોતાના માટે સસ્તી પબ્લિસિટી કરાવી રહ્યા હોય તેવો અણસાર આવી રહ્યો છે. ગુજરાતમાં જ્યાં પણ અનુસૂચિત જાતિ દ્વારા સમૂહ લગ્નોનું આયોજન કરવામાં આવે તો સૌથી પહેલું નામ રાજકીય પક્ષના નેતાઓનું લખવામાં આવે છે. તેમને વિશિષ્ટ સન્માન મુખ્ય મહેમાન બનાવવામાં આવતા હોય છે. આગતા સ્વાગતા કરીને મોટા ભા બનાવવામાં આવતા હોય છે.
ગુજરાતમાં સમૂહ લગ્નોના આયોજકોએ રાજકીય નેતાઓની આગળ પાછળ ફરી, તેમને સ્ટેજ પર સ્થાન આપીને પોતાની રાજકીય કારકિર્દી માટેનું સ્ટેજ ઉભું કરી દેતા હોય છે. આ ઉપરાંત સરકારી નોકરીમાંથી નિવૃત થયેલા નોકરિયાતોને પહેલા પોતાનો સમાજ યાદ આવતો નથી પણ નિવૃત થયા બાદ સમાજસેવા ચાલુ કરે છે અને સમૂહ લગ્નો સહીતના આયોજનો થકી નેતાઓને આમંત્રણ આપીને પોતાની વાહ વાહી કઈ રીતે થાય તેની ગોઠવણમાં લાગી જતા હોય છે.
ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં થતા સમૂહ લગ્નોમાં ઘણું બધું દાન આવતું હોય છે. ભોજન, મંડપ, લાઈટ સહીતના દાતા મળી જતા હોય છે. આ ઉપરાંત રોકડ રકમમાં પણ દાન આપવામાં આવતું હોય છે. હવે સમાજ એટલો કેપેબલ છે કે અનુસૂચિત જાતિમાંથી દાન લઈને સમૂહ લગ્નનું આયોજન કરી શકે તેમ છે તેમ છતાં અન્ય સમાજના રાજકીય નેતાઓને બોલાવવાની ફેશન અટકતી નથી.
આ સમૂહ લગ્નોના સ્ટેજ પર સમાજના કોઈ સારા ડોક્ટર, પ્રોફેસર, ઈજનેર, પત્રકારને ભાગ્યે જ સ્થાન આપવામાં આવતું હોય છે. એટલે આયોજકો અને સમાજની સંસ્થાઓના હોદ્દેદારોને અપીલ છે કે આમાં કઈંક સુધારો લાવો બાકી સમૂહ લગ્ન નામનું ગતકડું હવે બહુ લાબું ચાલવાનું નથી.

