થરાદમાં દલિત શિક્ષકની આત્મહત્યા : જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 સામે ફરિયાદ, ષડયંત્રનો આરોપ

થરાદમાં દલિત શિક્ષકની આત્મહત્યા : જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 સામે ફરિયાદ, ષડયંત્રનો આરોપ

થરાદમાં દલિત શિક્ષકની આત્મહત્યા : જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 6 સામે ફરિયાદ, ષડયંત્રનો આરોપ

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક શિક્ષકને આત્મહત્યા માટે મજબૂર કરવાના ગંભીર કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત છ વ્યક્તિઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વાવ તાલુકાના તીર્થ ગામના વતની અને થરાદના ભીમરાવનગરમાં રહેતા શિક્ષક ભરતભાઈ પરમારે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ જાતિ આધારિત ભેદભાવ, ધમકીઓ અને ડમી વિદ્યાર્થી કાંડમાં સંડોવી તેમના પુત્રને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કર્યો.
ફરિયાદમાં સામેલ આરોપીઓ:
  1. લાલજીભાઈ ઘુડાભાઈ પટેલ (ખોરડા, થરાદ)
  2. ગણપતભાઈ ઓખાભાઈ જોષી (મોરીખા, વાવ, મૂળ રહે. માડકા)
  3. અંકિતાબેન મહેતા (પઠામડા, થરાદ, પઠામડા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય)
  4. અંકિતાબેનના પતિ (પઠામડા, થરાદ)
  5. ગણેશભાઈ ધનાભાઈ પટેલ (ખોરડા, થરાદ)
  6. હિતેશભાઈ પટેલ (પાલનપુર, જિલ્લા શિક્ષણ અધિકારી)
શું છે સમગ્ર મામલો?
ભરતભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ફરિયાદ મુજબ, શાળાના આચાર્ય અંકિતાબેન મહેતા, તેમના પતિ અને સ્ટાફ ગણેશભાઈ ધનાભાઈ દ્વારા ભરતભાઈને અનુસૂચિત જાતિના હોવાને કારણે તોછડું વર્તન કરવામાં આવતું હતું. આ ઉપરાંત, તેમને નોકરીમાંથી હટાવવા ષડયંત્ર રચાયું હતું.
આ વર્ષે ધોરણ-12ની HSC પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન લાલજીભાઈ પટેલે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભર્યું, જેમાં ગણપતભાઈ જોષીનો ફોટો અંકિતાબેનના યુઝર આઈડીથી અપલોડ કરાયો. આ ડમી વિદ્યાર્થી કાંડમાં ભરતભાઈને ફસાવવા માટે અંકિતાબેન જાણીજોઈને રજા પર ગયા અને ચાર્જ ભરતભાઈને સોંપ્યો. ગણેશભાઈએ અંકિતાબેનના લોગઈનથી ફોર્મ એપ્રૂવ કર્યા, જેની સંડોવણી ભરતભાઈ સાથે જોડાઈ હતી.
ડમી વિદ્યાર્થી પકડાતાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલે 11 અને 12 માર્ચ 2025ના રોજ ભરતભાઈને પાલનપુર બોલાવી પૂછપરછ કરી અને ધમકીઓ આપી. ફરિયાદ મુજબ, હિતેશભાઈએ ભરતભાઈને ગુનો કબૂલવા દબાણ કર્યું અને નહીં તો સસ્પેન્શનની ધમકી આપી. અંકિતાબેનના પતિએ પણ ફોન પર ધમકીઓ આપી હતી. આ માનસિક ત્રાસથી કંટાળીને 13 માર્ચ 2025ના રોજ ભરતભાઈએ “હું નિર્દોષ છું”નું વોટ્સએપ સ્ટેટસ મૂકી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. તેમનો મૃતદેહ 14 માર્ચે કેનાલમાંથી મળી આવ્યો હતો.
પરિવારનો આક્ષેપ
મૃતકના પિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર એક વર્ષથી માનસિક તણાવમાં હતો. આરોપીઓએ જાતિ આધારિત ભેદભાવ અને ષડયંત્રથી તેને આત્મહત્યા માટે મજબૂર કર્યો.” એક ચિઠ્ઠીમાં ભરતભાઈએ પોતાની નિર્દોષતા જાહેર કરી અને આરોપીઓના નામ લખ્યા હતા.થરાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસે શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર જગાવી છે.
Crime & Atrocity