બાઈક ચલાવવાને લઈને દલિત યુવક પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
BY પ્રશાંત લેઉવા
તમિલનાડુના શિવગંગા જિલ્લામાં દલિત વ્યક્તિ પર અત્યાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 12 ફેબ્રુઆરીના રોજ 20 વર્ષીય દલિત વિદ્યાર્થી પર ત્રણ માણસોએ હુમલો કર્યો હતો. કારણ કે તે બુલેટ બાઇક ચલાવી રહ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પીડિત અય્યાસામી નજીકના મનામદુરાઈ વિસ્તારની રહેવાસી છે અને રાજા દુરાઈસિંગમ સરકારી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં ગણિતના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. મળતી માહિતી મુજબ, અય્યાસામી સાંજે લગભગ 6 વાગ્યે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ત્રણ લોકોએ તેને રોક્યો હતો અને બાઇક ચલાવવા અંગે પૂછપરછ શરૂ કરી. મામલો વધુ વકરતાં તેમની વચ્ચે ઝઘડો થયો, જેના પછી એક આરોપીએ અય્યાસામી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

આ હુમલા બાદ મનામદુરાઈ સિપકોટ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. તેની સામે હત્યાના પ્રયાસ અને SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો જાતિગત ભેદભાવથી પ્રેરિત હતો.
