ડૉ.આંબેડકરે તો વર્ષો અગાઉ મહિલાઓને અનેક અધિકારો આપ્યા પણ પરગણાઓના મઠાધીશોને મહિલા પ્રતિનિધિત્વ મંજૂર નથી
મહિલાઓની યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવો ધીમો પણ મક્કમ અવાજ શરૂ થયો
BY પ્રશાંત લેઉવા
ગુજરાતનો દલિત સમાજ જાહેરમાં તો એક કહેવામાં આવે છે પરંતુ અનેક જ્ઞાતિ, પેટા જ્ઞાતિ અને પરગણામાં વહેંચાયેલો છે. દલિત સમાજમાં અનેક પરગણા આવેલા છે જેમાં ચોક્કસ જ્ઞાતિઓ આધારિત તેમનું પોતાનું બંધારણ છે.આપણે આ બંધારણ અને જ્ઞાતિઓ વિશેની વાત નથી કરવી પરંતુ આ પરગણાઓનું જે બંધારણ ઘડે છે, નક્કી કરે છે અને મંજૂર કરે છે તેવા પુરુષ પ્રધાન સમાજની વાત કરીશું.
આ બંધારણ ઘડવા માટે પરગણાનું કોઈ એક ચોક્કસ ગામ નક્કી કરવામાં આવે છે. આ ગામમાં પરગણામાં સમાવિષ્ટ તમામ ગામોના પુરુષ પ્રતિનિધિઓ હાજર રહે છે અને પરગણામાં આવતા ગામોના જ્ઞાતિ બંધુઓ સગાઈ, લગ્ન, મૃત્યુ, છૂટાછેડામાં કઈ રીતે વ્યવહાર કરશે તેના નિયમો ઘડતા હોય છે. ઘણી વખત આ લોકો હાસ્યાસ્પદ નિયમ પણ બનાવી દે છે. જોકે તે વાત અત્યારે અસ્થાને છે.

પરગણાનું બંધારણ ઘડતી સમિતિમાં મુખ્યત્વે પુરુષો જોવા મળે છે. મહિલાઓની આમાં ક્યાંય ભાગીદારી જ નથી. જે તે પરગણામાં મહિલાઓની કુલ 50% જનસંખ્યા છે. આ બંધારણ 50% મહિલાઓને અસર કરે છે તેમ છતાં સમિતિના પાંચ દસ પુરુષોએ જે નિર્ણય લઈ લીધો તે આ 50% મહિલાઓને શિરોમાન્ય હોય તેમ માની અને ધારી લેવામાં આવે છે. કહેવાની સીધી અને સ્પષ્ટ વાત એ છે કે પરગણું ભેગું થાય અથવા બંધારણ ઘડે તેમાં મહિલાઓને કોઈ પ્રતિનિધિત્વ જ નથી. હવે ચૂંટણીઓમાં પણ પચાસ ટકા અનામત આપવામાં આવે છે.
હકીકતમાં આ પ્રતિનિધિત્વ હોવું જોઈએ. સમાજનો સાચો વિકાસ કરવો હશે તો મહિલાઓનો સમાવેશ કરવો જ પડશે તે સમયની માંગ છે.
સમાજનું પરગણું ભેગું થાય એટલે જય ભીમના નારા લગાવવામાં આવતા હોય છે. હવે ડોક્ટર આંબેડકરે તો વર્ષો અગાઉ મહિલાઓને અનેક અધિકારો આપ્યા છે પરંતુ જય ભીમનો નારો લગાવો છે પરંતુ બાબાસાહેબે જે કહ્યું છે કે મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપો તે આ પરગણાઓ ના બની બેઠેલા મઠાધીશોને મંજૂર નથી એટલે વાત બાબા સાહેબની કરવી છે અને વિચારો જુનવાણી રાખવા છે તેમ લાગી રહ્યું છે. જોકે હવે સમાજમાં પણ મહિલાઓની યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવી તેવો ધીમો પણ મક્કમ અવાજ શરૂ થયો છે. આશા રાખીએ કે ગુજરાતના તમામ દલિત સમાજની જ્ઞાતિઓના આગેવાનો આ બાબતે વિચારશે.

