દિલ્હી કેબિનેટમાં ભાજપનો દલિત ચહેરો બનેલા રવિન્દ્ર ઈંદ્રરાજ કોણ છે ?
By પ્રશાંત લેઉવા
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની છે. દિલ્હીના નવા મંત્રીમંડળમાં એક દલિત ચહેરાને પણ તક આપવામાં આવી છે. રેખા ગુપ્તાની મુખ્યમંત્રી તરીકે પસંદગી બાદ તેમના મંત્રીમંડળમાં 6 નવા મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ આ મંત્રીઓના શપથગ્રહણને મંજૂરી આપી દીધી છે, જેમાં એક નવો ચહેરો રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહનો પણ સમાવેશ થાય છે.
રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહને મંત્રી બનાવવાના નિર્ણયને દલિત મતો મેળવવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. કેટલાક દિવસોથી મુખ્યમંત્રી પદની રેસમાં તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું.રવિન્દ્ર ઇન્દ્રરાજ સિંહનો જન્મ 1975માં થયો હતો અને તેમને દિલ્હી ભાજપનો એક મોટો દલિત ચહેરો માનવામાં આવે છે. તેઓ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. તેમના પિતા ઇન્દ્રજ સિંહ નરેલા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
રવિન્દ્ર ઇન્દ્રજે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યારબાદ તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.રવિન્દ્ર ઈન્દ્રરાજ સિંહે બવાના વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય જય ભગવાન ઉપકરને હરાવ્યા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવારને 31,000થી પણ વધુ મતોથી હરાવ્યા હતા.


